Friday, 12 June 2015
જો મિત્ર સારા હોય તો મિઠા જ શબ્દ વાણી
ઉચ્ચાર એવો કરજો કે દુશ્મનો પાણી પાણી,
ત્યાંની વાત ત્યાં નહી ન ત્યાંની વાત ત્યા કઇ
નાહક નું નહી બોલું મેં હો ભલે વાત જાણી,
પિતાની આંખેમાં આંશુ આ દર્દ કે ખુશાલી
જાણીને જાણ્યું એવું બાપે દિકરી છે વળાવી,
મેં ફુલો સુંઘી જોયું આ સુંગધ કયાથી આવી
હકદાર કોણ આનો ભમરો કે પછી માલી,
'દિપેશ' એમ કઇ આ કાવ્યો લખાઇ નહીને
સાંભળીને લોહી થાયે લખીને લોહી પાણી.
- દિપેશ ખેરડીયા -
Wednesday, 20 May 2015
કેટલાં કામણ હશે આ આંગળી ને તારમાં,
સાવ કોરું મન જુઓ ભીંજાય છે મલ્હારમાં.
આજ પણ લીલી ક્ષણો ટહુકા બની પડઘાય છે,
સાચવી લો આ સમય પણ વહી જશે વિચારમાં.
ના કશી ફરિયાદ છે ને મસ્ત આતમરામ છે,
સામટું સુખ ના ચહું સંતોષ છે બે-ચારમાં .
નામ લેતા હે પ્રભુ! ચારે દિશાઓ ઝળહળે,
કેટલા દીવા થયા દિલ તણા દરબારમાં.
શ્વાસનું પંખી જુઓ પાંખો પ્રસારે છે છતાં,
શી ખબર આ ઉડ્ડયન પૂરું થશે પલવારમાં ?
– પ્રફુલ્લા વોરા
Wednesday, 7 January 2015
મૌસમનું ખાલી નામ છે, આ તારું કામ છે
રંગોની સુરાહીમાં સુગંધોના જામ છે.
વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે,
નખશીખ જે ભીંજાય છે એ હૈયાનું ગામ છે.
શોધીશ તોયે નહીં મળે નકશામાં એ તને,
નકશાની બહારનું છે એ સપનાનું ગામ છે.
હેમંતને, વસંતને વર્ષાની વાત ક્યાં?
તારા જ છે સ્વરૂપ ને તારો દમામ છે.
આને જ તે કહેતા હશે દીવાનગી બધાં,
કોઈ પૂછે ને કહી ના શકું વાત આમ છે.
મઝા મૂકીને દોડતો દરિયો એ આંબશે
રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે.
ભીની અજાણી ભીંત પરની લીલમાં હજુ,
ગઈકાલે કોતર્યું હતું એ કોનું નામ છે?
મૌસમ તારી યાદની મૌસમ બની ગયી,
મક્તાના શેરમાં હવે છેલ્લી સલામ છે.
– તુષાર શુક્લ
Subscribe to:
Posts (Atom)